ઘંટેશ્વર સ્લમ વિસ્તારમાં માનવ અધિકાર અને કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા અભ્યાસક્રમના ભાગરૂપે સમાજના વિવિધ વર્ગોમાં કાયદાકીય જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે તારીખ ૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાજકોટના ઘંટેશ્વર સ્લમ વિસ્તાર ખાતે કાયદાકીય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ એન. માંજરિયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના ‘EQUALITY’ ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોને તેમના કાયદાકીય અધિકારો, ઉપલબ્ધ કાનૂની સહાય અને વિવિધ મહત્વપૂર્ણ કાયદાકીય જોગવાઈઓ અંગે સરળ ભાષામાં માહિતી પૂરી પાડવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર જનજાગૃતિ પ્રવચનો આપવામાં આવ્યા હતા. સ્નેહાબેન નિમ્બાર્ક દ્વારા જન્મ અને મરણ પ્રમાણપત્ર અંગેનું કાનૂની માર્ગદર્શન, પ્રતિભાબેન નિમાવત દ્વારા મહિલાઓના કાનૂની અધિકારો અને ઘરેલુ હિંસા સામે કાનૂની રક્ષણ, ભૂમિબેન ઓડેદરા દ્વારા મફત કાનૂની સહાય, જયદેવભાઈ રાઠોડ દ્વારા RTE Act, 2009 (શિક્ષણનો અધિકાર અધિનિયમ), ભાસ્કરભાઈ પરમાર દ્વારા FIR અને જામીન, હર્ષાબેન વાઢેર દ્વારા સરકારી યોજનાઓ અને મહિલાઓના કાનૂની હકો તથા મહેક મહિડા દ્વારા MTP Act અને PNDT Act અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દ્વારા ખાસ કરીને વંચિત અને જરૂરિયાતમંદ વર્ગના નાગરિકોને પોતાના કાયદાકીય અધિકારો અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાનતા, ન્યાય, કાયદા સમક્ષ સમાન રક્ષણ અને માનવીય ગૌરવ જેવા માનવ અધિકારોના મૂળભૂત મૂલ્યોને કેન્દ્રમાં રાખીને વિદ્યાર્થીઓએ વિવિધ કાયદાકીય જોગવાઈઓને વ્યવહારુ ઉદાહરણો સાથે સમજાવી હતી.
આ પ્રસંગે ભવન તરફથી ચિંતનકુમાર શકોરિયા રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓની કાયદાકીય જનજાગૃતિની પ્રવૃત્તિમાં સહભાગી થઈ તેમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી આ પહેલથી તેમને અભ્યાસક્રમ દરમિયાન પ્રાપ્ત થયેલા કાયદાકીય જ્ઞાનને સમાજના વંચિત અને જરૂરિયાતમંદ વર્ગ સુધી પહોંચાડવાની તક મળી હતી. સાથે જ વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, જાહેર સંવાદ, કાયદાકીય જાગૃતિ અને માનવ અધિકારો પ્રત્યેની સંવેદનશીલતા વિકસાવવાનો અવસર પ્રાપ્ત થયો હતો.
માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા શિક્ષણને સમાજ સાથે જોડવાના પ્રયાસરૂપે આયોજિત આ જનજાગૃતિ કાર્યક્રમ માનવ અધિકારો અને કાયદાકીય જાગૃતિના પ્રસાર તરફનું મહત્વપૂર્ણ પગલું બની રહ્યો હતો.